બૌદ્ધ ધર્મ અંગીકાર

April 5th, 2014

buddhaડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી, પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહી. – તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૩,૮૦,૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. દુનિયાના ઇતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી. આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગ્રૃત કરવા માટે આપી.

દિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો લેખ

૨૨ પ્રતિજ્ઞાઓ :

૧. હું બ્રહ્માવિષ્ણુમહેશને ઈશ્વર માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.

૨. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.

૩. હું ગૌરી-ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુધર્મના દેવ- દેવીઓ ને માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.

૪. હું એવી વાત કદાપી માનીશ નહી કે ઈશ્વરે અવતાર લીધો છે.

૫. હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.

૬. હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહી.

૭. હું બૌધ્ધધર્મ વિરૂધનું કોઈ આચરણ કરીશ નહી.

૮. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહી.

૯. હું બધા મનુષ્યો સમાન છે,તે સિધ્ધાંતને જ માનીશ.

૧૦. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.

૧૧. હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ.

૧૨. હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.

૧૩. હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન-પાલન કરીશ.

૧૪. હું ચૉરી કરીશ નહી.

૧૫. હું અસત્ય(જુઠું) બોલીશ નહી.

૧૬. હું મિથ્યાચાર કરીશ નહી.

૧૭. હું શરાબ વગેરે કેફી(માદક)પદાર્થોનો નશો કરીશ નહી.

૧૮. હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.

૧૯. હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર માટે અસમાન કે ઊંચનીચ, માનવાવાળા મારા જુના હિન્દુ ધર્મનો સંપુર્ણ રીતે ત્યાગ કરૂ છું અને હું બૌધ્ધધર્મનો સ્વીકાર કરૂ છું.

૨૦. મારો સંપુંર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધધર્મ એ જ સદધર્મ છે.

૨૧. હું માનું છું કે, મારો આજથી પુનર્જન્મ થઇ રહ્યો છે.

૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે, આજથી બૌધ્ધધર્મનાં સિધાંત અનુસાર આચરણ કરીશ.