અશ્પૃશ્યોન્નતી અને સ્ત્રીઓની જવાબદારી
દિનાંક ૨૭ ડીસેમ્બર ૧૯૨૭ ની મહાડ સત્યાગ્રહ પરિષદ માં ડો. બાબાસાહેબ આંબેડકરનું અત્યંત જ્વલંત એવું ભાષણ થયું. સ્ત્રી વર્ગને ઉદ્દેશીને તેઓએ કહ્યું …..
તમે આ સભામાં આવ્યાં તે બદલ મને અત્યંત આનંદ થાય છે. ઘર પ્રપંચની અડચણો જેવી રીતે સ્ત્રી અને પુરુષ મળીને દૂર કરે છે તેજ પ્રમાણે સમાજ, સંસારની અડચણો પણ સ્ત્રી પુરુષો બન્ને એ સાથે મળીને દૂર કરવી જોઈએ. ફક્ત પુરૂષો જ આ કામ હાથપર લેશે તો એને પાર પાડવામાં તેમને અતિશય વાર લાગશે. આમ કેહવામાં કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ આજ કામ જો સ્ત્રીઓ પોતાના હાથમાં લેશે તો તે કામમાં ઝડપી યશપ્રાપ્તિ મેળવી લેશે એવો મારો મત છે. પરંતુ જો તેઓ એકલાજ આ કામ પોતાના હાથમાં ન લઇ શકતા હોય તો તેઓએ પુરુષવર્ગ, જે આ કામ કરે છે, તેમનું સહકાર્ય અવશ્ય કરવું જોઈએ. આ માટે તમારે અત્યારથી જ દર વખતે પરિષદોમાં હાજર રેહવું જોઈએ, એવો મારું કેહવું છે.
ખરું જોતાં, અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન પુરુષો નો ન હોઈ સ્ત્રીઓ નો જ છે. તમે અમને પુરુષોને જન્મ આપ્યો છે. અમને ઈતર લોક કેવા જનાવર કરતા પણ ઓછા લેખે છે, આ તમને ખબર છે. અમુક ઠેકાણે તો અમારા પડછાયાને પણ તેઓ અડતા નથી. ઈતર લોકોને કોર્ટ કચેરી માં માન-સન્માનની જગ્યા મળે છે, પરંતુ તમારા પેટથી જન્મેલા અમે છોકરાઓને પોલીસ ખાતાની સાદી સિપાઈની નોકરી પણ મળતી નથી, એટલો હિન અમારો દર્જો છે. આ બધું તમને ખબર હોવા છતાં તમે અમને જન્મ કેમ આપ્યો, એવો પ્રશ્ન તમને કોઈ કરશે તો એનો ઉત્તર તમે શું આપી શકશો? આ સભામાં બેઠેલા કાયસ્થ તથા ઈતર સ્પૃશ મહિલાઓના ઉદરથી જન્મેલા છોકરાઓ તથા તમારા ઉદરથી જન્મેલા છોકરાઓમાં (અમારામાં) શું અંતર છે? તમારે વિચાર કરવો જોઈએ કે બ્રાહ્મણોની સ્ત્રીઓમાં જેટલું શીલ છે તેટલું શીલ તમારામાં પણ છે. બ્રાહ્મણ સ્ત્રીઓમાં જેટલું પતીવ્રત્ય છે તેટલું પતીવ્રત્ય તમારામાં પણ છે અને તમારામાં જેટલું મનોધૈર્ય, કરારીપણું અને ધમક છે, તેટલી બ્રાહ્મણ સ્ત્રીઓમાં પણ નથી. એમ હોવા છતાં, બ્રાહ્મણ સ્ત્રીઓના ઉદરથી જન્મેલો બાળક કેમ સર્વમાન્ય હોય અને તમારા પેટથી જન્મેલો બાળક સર્વ ઠેકાણે કેમ અમાનીતો હોય, તેને સાદો માણસાઈ નો હક્ક કેમ ન હોવો જોઈએ, એનું તમે ક્યારે વિચાર કર્યો છે? મને લાગે છે તમે એનો જરા પણ વિચાર કર્યો નથી. તમે જો આનો વિચાર કર્યો હોત તો પુરુષોના પહેલાં તમે સ્ત્રીઓએ સત્યાગ્રહ કર્યો હોત. કારણ તમારા પેટથી જન્મ લીધું એટલું જ પાતક અમારા હાથ થી થયું છે તથા આજ પાતકના કારણે અમને આ અશ્પૃશ્યતાની સજા ભોગવવી પડે છે. ત્યારે તમારે વિચાર કરવો જોઈએ કે તમારા પેટે જન્મવું એટલે પાપ અને ઈતર સ્ત્રીઓના પેટે જન્મવું પુણ્યપ્રદ કેમ? આ પ્રશ્નનો જો તમે વિચાર કરશો તો તમારે એક તો પ્રજા-ઉત્પત્તિ કરવાનું બંદ કરવું પડશે અથવા તમારા કારણે તેમને લાગતું કલંક તમારે ધોવું પડશે. તમે પ્રતિજ્ઞા કરો કે આવી કલંકિત સ્થિતિમાં અમે આજ પછી જીવીશું નહીં. સમાજોન્નતી કરવાનો જેવો પુરુષોએ નિશ્ચય કર્યો છે, તેવું તમે પણ કરો.
બીજી વાત તમને એ કેહવાની છે કે તમારે બધાએ જૂની તથા ગલીચ્છ ચાલીરીતિઓ છોડી દેવી જોઈએ. સાચું કહું તો અસ્પૃશ્ય માણસ એ અસ્પૃશ્ય છે તેવી ઓળખનો શિક્કો તેમના કપાળ પર મારેલો નથી હોતો, પરંતુ અસ્પૃશ્ય લોકોના જે કોઈ રીત-રીવાજો છે તે રીત-રીવાજો થકીજ ઈતર લોક અમુક એક માણસ અસ્પૃશ્ય જાતિમાંથી છે એમ ત્વરિત જાણી જાય છે. આવા રીત-રીવાજો એ કાળે આપણા પર બળજબરીથી લાદવામાં આવ્યા હતા એવો મારો મત છે. પરંતુ અંગ્રેજ સરકારના રાજ્યમાં આવા પ્રકારની બળજબરી થઇ શકતી નથી. એટલે જે વાતોથી લોકો આપણને અસ્પૃશ્ય તરીકે ઓળખે છે તેવી બધીજ વાતો હવે તમારે બંદ કરવી જોઈએ. તમારી લુગદી (સાડી) પહેરવાની રીત આ તમારા અશ્પૃશ્યતાનો પુરાવો છે. આ પુરાવો તમારે નાશ કરવો જોઈએ. વરિષ્ઠ વર્ગની મહિલાઓ જેવી રીતે લુગડાં પેહરે છે તેવી રીતિને તમારે પણ લુગડાં પહેરવાં જોઈએ. તેવું કરવાથી તમને કશો જ ખર્ચ થવાનો નથી. એજ પ્રમાણે ગળામાં ભારોભાર ગળસરી (ગળામાં પેહેરવાનો જાડો હાર અથવા માળા) તથા હાથમાં મોટી મોટી પાટલિયો પણ તમારી ઓળખની નિશાની છે. દાગીના કરતાં કપડાં ની જ વધારે શોભા છે, ત્યારે કથલા અથવા ચાંદીના દાગીનાઓ માં પૈસા ખર્ચ કરવા કરતાં સારાં કપડાં લેવા માટે પૈસો ખર્ચ કરો. દાગીનો પહેરવો જ હોય તો તે સોનાનો પેહેરવો નહીંતર પહેરવો જ નહીં. એજ પ્રમાણે સ્વચ્છ રહેવાની પણ સાવધાની રાખો. તમે ઘરના ગૃહલક્ષ્મી છો, ઘરમાં કોઈપણ અમંગળ વાત ન થાય એ માટે તમારે ચિન્તા કરવી જોઈએ.
ગયા માર્ચ મહિનાથી બધા લોકોએ મરેલા જાનવરનું માંસ ખાવાનું બંદ કર્યું છે આ વાત આનંદની છે. પરંતુ કોઈક ઘરે એ બંદ ન થયું હોય તો તે બંદ કરાવવાની જવાબદારી તમારે પોતાના હાથમાં લેવી જોઈએ. જો ઘરધણી મરેલા જાનવરનું માંસ ઘરમાં લાવે તો તમે એને સ્પષ્ટ કહો કે, આવું મારા ઘરે ચાલશે નહીં અને મારી ખાતરી છે કે આ વાત જો તમે મન પર લેશો તો આ અમંગળ કાર્ય પૂર્ણપણે બંદ થઇ જશે.
તેવીજ રીતે તમારે તમારી દીકરીઓને પણ શિક્ષણ આપવું જોઈએ. જ્ઞાન અને વિદ્યા ફક્ત પુરુષો માટે નથી. તે સ્ત્રિઓ માટે પણ જરૂરી છે. આ વાત આપણા પૂર્વજોએ પણ ઓળખી લીધી હતી. નહીંતર જે જે લોકો પલટણ (સૈન્ય) માં રહ્યા, તે લોકોએ પોતાની દીકરીઓને જે શિક્ષણ આપ્યું તે ન આપ્યું હોત. જેવી ખાણ તેવી માટી. આ વાત ધ્યાનમાં રાખીને આપણી આગળની પીઢીને જો તમારે સુધારવી હોય તો, તમે દીકરીઓને શિક્ષણ આપ્યા વગર ન રહો. આ જે ઉપદેશ મેં તમને આપ્યો છે તે તમે હવામાં ઉડાડશો નહીં એવી મને આશા છે. તેને અમલમાં મુકવા માટે તમે જરાપણ આળસ કરશો નહીં. માટે તમે સવારે પોતાના ઘરે જતાં પેહલાં, તમારા પહેરવેશની પદ્ધતિમાં બદલાવ કરીને મને બતાવો અને પછી ઘરે જાઓ, જેથી મને ખાતરી થશે કે જેવું મેં કીધું તેવું થયું. ત્યારપછી પરિષદમાં ભેગી થયેલી સ્ત્રીઓ વતી શ્રીમતી વિઠાબાઈએ કીધા પ્રમાણે અમે અમલ કરશું એવું આશ્વાસન આપ્યું.
ડો. આંબેડકરના ભાષણની સભા માં ભેગા થયેલા સ્ત્રીવર્ગ ઉપર તાત્કાલિક પરિણામ થયાનું દેખાઈ આવ્યું. સવારમાં પોત પોતાના ગામે પાછા જતી વખતે નખશીખ તેઓએ પોતાના પહેરવેશમાં બદલાવ કર્યાનું દેખાઈ આવ્યું. તેમના આ નિશ્ચય માટે દરેકને કબજી-બંગડી માટે આઠ – આઠ આના આપવામાં આવ્યા. એજ પ્રમાણે પુરુષવર્ગ ઉપર પણ પરિણામ થયાનું દેખાઈ આવ્યું. તેઓએ પણ હાથ-કાનના જંગલી દેખાવ જેવા દાગ – દાગીનાને એક ઝાટકે રજા આપી. એટલું જ નહીં, મહાડ મ્યુનિસીપાલિટી કચરાપટ્ટી માં ઝાડુંવાળાની નોકરી કરનાર મહારોએ પોતાની નોકરીઓમાં થી રાજીનામું આપ્યું.
સાભાર: પાઠ ૧૯, પાના નં.૧૪૨ થી ૧૪૫ (ડો. બાબાસાહેબ આંબેડકર નાં ભાષણ – ભાગ ૧ (૧૯૨૦ થી ૧૯૩૬), મહારાષ્ટ્ર શાસન
ડો. બાબાસાહેબ આંબેડકર